Member of Development and Welfare Board for Denotified Nomadic and Semi Nomadic Communities of Govt. of India
Mittal Patel, founder of Vicharta Samuday Samarthan Manch (VSSM)
Public Speaker, Columnist, Social Blogger, Traveller
Mittal Patel works for the nomadic and de-notified tribes of Gujarat. VSSM, a non--profit organization founded in 2006 is now spread across 90 Blocks and 20 districts of Gujarat, Smt. Mittal Patel along with her team is doing tremendous work in the field of education, health care, disaster relief, rehabilitation, environment and many more. The organisation is also working on government policies so that this extremely marginalized section of the society get their rights and benefits of the policies. These tribes were hardly seen as they were suffering problems related to identity and dignity in the society. VSSM was thus started with the vision of giving these tribes their identity and solve the challenges faced by them in day to day life.
Mittal Patel
હીરા ઘસવાનું કામ કરતા સૌરાષ્ટ્રના મનીષભાઈ કહાની બહુ રોચક છે. એક વખતે હાથમાં કામ ન હોવાના કારણે એ જગતથી હારી ગયેલા, આજે એમની પોતાની દુકાન છે ને સારી કમાણી કરી રહ્યા છે.
માણસને જ્યારે પરિસ્થિતિ ચારેય તરફથી ઘેરી લે, ત્યારે કાં તો એ હારી જાય ને કાં તો એ લડી લે. હારી જનારને કશું કરવાનું ન હોય પણ લડવા તૈયાર થનારને ઘણીવાર એક નાનકડા ટેકાની જરૂર પડે. અમરેલીના બગસરા પંથકમાં રહેતા મનીષભાઈની વાર્તા પણ કંઈક આવી જ છે.
મનીષભાઈ હીરા ઘસવાનું કામ કરે. પણ સમય બદલાયો ને બગસરામાં આવેલી હીરાની ઘંટીઓ સળંગ ચાલતી બંધ થઈ. અઠવાડિયામાં ચાર દિવસ કામ ચાલે ને ત્રણ દિવસ ફરજિયાત રજા! આવા સમયે ઘર કેમ ચલાવવું? એ પ્રશ્ન રોજ રાતે તેમને ઊંઘવા ન દે.
મનમાં મૂંઝાતા મનીષભાઈને રસ્તો જડે નહીં. વળી, બગસરાના શાપરમાં ખેતી ખરી, પણ એ ખેતીમાં કંઈ બારે મહિના રોજગારી ન મળે. ઉનાળામાં તો ખેતરો પાછા સૂકાભઠ્ઠ. આવામાં મનીષભાઈ કાંઈક નવું કરવાનું વિચાર્યા કરે પણ એમની પાસે એ માટે મૂડી નહીં.
"કામ કરનારા કદી નવ થાકતા, મુશ્કેલીઓથી એ કદી નવ ભાગતા;રાહ જો ખુદ ના જડે તો શું થયું? એ તો નવો જ રસ્તો કંડારતા."
VSSM ને KRSF આ વિસ્તારમાં વર્ષોથી સેવાકાર્યો કરે. શાપરમાં પણ અમે ઘણા લોકોને સ્વમાનભેર જીવી શકે એ માટે અમારા સ્વાવલંબન કાર્યક્રમ અંતર્ગત સહાય આપીને પગભર કર્યા. મનીષભાઈના કાને આ વાત પહોંચી. એમણે સંસ્થાના કાર્યકર રમેશભાઈનો સંપર્ક કર્યો ને પંચરની દુકાન કરવા માટે લોનની માંગણી કરી. અમે એમને રૂ. ૩૦,૦૦૦ ની સ્વાવલંબન સહાય આપી. મનીષભાઈએ દુકાન શરૂ કરી ને એમની મહેનતના જોરે ધંધો સરસ ચાલી નીકળ્યો.
માણસમાં સાચી ધગશ હોય તો ગમે એવી પરિસ્થિતિમાં એને નવા-નવા રસ્તા સૂઝવા માંડે. મનીષભાઈએ પોતાની જાતને માત્ર ટાયર પંચર કરવા સુધી સીમિત ન રાખી. એમણે જોયું કે ગામના ખેડૂતોને બોરવેલ રિપેરિંગ ને અન્ય કામો માટે વારંવાર બજાર સુધી દોડવું પડે છે. બસ, એમણે દુકાનમાં જ એને લગતો જરૂરી સામાન રાખવાનું શરૂ કર્યું. પરિણામે એમનો દૈનિક વકરો વદ્યો.
પણ વાત માત્ર કમાણી કરવાની નથી, કમાણી પચાવવાની પણ છે. માણસ કમાણી કરે, નફો કરે પણ જો આવ્યું એટલું વાપરી નાખે તો જિંદગીની ગાડી આગળ ન વધે. મનીષભાઈ સમજુ હતા. એમણે નાની-નાની બચત ભેગી કરીને પોતાની સરસ દુકાન ઊભી કરી દીધી. પોતાના જ માદરે વતનમાં, પરિવારની વચ્ચે રહીને સારો નફો આપતી કમાણી એમને મળી ગઈ.
હમણાં હું બગસરા ગઈ ત્યારે શાપર ગામમાં અમારી પાસેથી સ્વાવલંબન સહાય લઈને જેમણે ધંધો શરૂ કરેલો એમને ખાસ મળવા ગઈ. ત્યાં મનીષભાઈને પણ મળવાનું થયું. આંખોમાં એક અનોખો હરખ ને ચહેરા પર ગૌરવ સાથે એમણે પોતાની સફળતાની બધી વાતો કરી. વાતો કરતાં કરતાં એમણે હસીને પાછી એક નવી રૂ. ૩૦,૦૦૦ ની લોન આપવા માટે કહ્યું.
અમારા કાર્યકર રમેશભાઈએ આશ્ચર્ય સાથે પૂછ્યું, "મનીષભાઈ, હવે તો દુકાન સરસ ચાલે છે, હવે નવી લોન લઈને શું કરશો?"
ત્યારે મનીષભાઈએ જે જવાબ આપ્યો, એ સાંભળીને આમ હરખાઈ જવાયું.
એમણે કહ્યું, "બહેન, મારી આ પંચરની દુકાન જે સાંજના એટલે કે ૫ વાગ્યે બંધ થઈ જાય. પાંચ વાગ્યા પછી હું જો દુકાનમાં જ એક ઘરઘંટી નાખી દઉં, તો રાતના ૯ વાગ્યા સુધી અનાજ દળવાનું કામ કરી શકું! એનાથી મારી આવક વધી જશે ને સમયનો પણ સદુપયોગ થશે."
આમ તો માણસમાં મહેનત કરવાની ભૂખ જાગે ને એમાં સફળતા મળવા માંડે તો એનામાં આત્મવિશ્વાસનો એવો દીવો પ્રગટે ને એને અંધારામાં પણ નવા રસ્તા જડી જાય. અમે એમને ઘરઘંટી માટે પણ સહાય કરીશું.
VSSM અને KRSFની લોકોને સ્વાવલંબી બનાવવાની આ નાનકડી પહેલથી આજે મનીષભાઈ જેવા ૧૨,૫૦૦ થી વધુ પરિવારો પોતાના પગ પર ઊભા થઈને ગૌરવભેર જીવન જીવી રહ્યા છે. આવા શુભકાર્યમાં ઈશ્વરે અમને નિમિત્ત બનાવ્યા એનો રાજીપો..
6 hours ago | [YT] | 82
View 0 replies
Mittal Patel
“શેરી વળાવું, સજ્જ કરું, ઘરે આવોને... આંગણિયે ફૂલડા પથરાવું, મારા ઘરે આવોને...”
આ ગીતના ભાવ આજે સાચા અર્થમાં જીવંત થયા. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં નવનિર્મિત ‘કુશ સોસાયટી’માં પગ મૂકતા જ લાગ્યું કે જાણે કોઈ નવવધૂ પોતાના પિયરિયાના આગમનની રાહ જોતી હોય ને એ હરખમાં એ પોતાના ઘરને કેવું સરસ સજાવે. બસ એ રીતે જ આજે આખી વસાહત હરખથી ઝળકી રહી હતી.
પ્લોટ મળ્યા પછી ઘર બાંધકામ શરૃ કરતા પહેલા અમે એમની સાથે ઘર કેવું બાંધવું છે એ અંગે ચર્ચા કરવા બેઠા ને સૌએ એક સાદે, “બેન, અમને તો ખુલ્લું ઘર ગમે...”નું કહ્યું.
એમની આ ભાવનાને માન આપીને બે રૂમ, ઓસરી ને આગળ વિશાળ આંગણું ધરાવતાં સુંદર ઘરોનું આયોજન થયું. બાંધકામ દરમિયાન બહેનો ખાસ કહેતી,
“બેન, ગોદડા અને વાસણો મૂકવા ખાના કરજો...”
તો એ ખાના પણ બન્યા. ઘરના રંગો પણ એમના રંગબેરંગી પહેરવેશ જેવા જ રાખવામાં આવ્યા.
ઘર તૈયાર થયા પછી એને ઘરપણું આપવાનો વારો આવ્યો. લાઈટ, પંખા, પાણીની ટાંકી, ગેસની સગડી જેવી જરૂરી સુવિધાઓ માટે સમાજને હાકલ કરી ને સમાજે પણ દિલ ખોલીને સાથ આપ્યો. પ્રિય સાર્થકભાઈ પટેલ, મનીષભાઈ પટેલ, રાજેશભાઈ મહેતા, વિનોદભાઈ પટેલ, ભાવનાબહેન પટેલ, શૈલી પરીખ, વિવેકભાઈ અમીન, હિતેન્દ્રભાઈ ચુડાસમા, જે.વી. પટેલ, સબ્બીરભાઈ તીન્ડાલિયાવાલા, સુધીર ભટ્ટ, યાના રાવલ, જે.વી. વાઢેર સહિત અનેક સ્વજનોએ આ કાર્યમાં ઉમળકાભેર સહભાગીતા નોંધાવી.
ઘરના બાંધકામમાં વિકસતી જાતિ કલ્યાણ ખાતાનો સહયોગ મળ્યો. ઉપરાંત કિશોરભાઈ પટેલ(અમારા અંકલ) દ્વારા પ્રિય કુશલભાઈની સ્મૃતિમાં, પુષ્પાબેન શાહ અને નટવરભાઈ શાહ દ્વારા સ્વ. કુમુદબેન શાહની સ્મૃતિમાં સહાય મળી. પ્રતુલભાઈ શ્રોફનો હંમેશની જેમ મજબૂત સાથ રહ્યો. જ્યારે મોરબીના મગનભાઈ ભાલોડિયાએ પ્રેમથી ઘરો માટે ટાઈલ્સ મોકલી આપી.
સવારે અમે કુશ સોસાયટીમાં પહોંચ્યા ત્યારે આંખો આનંદથી છલકાઈ ઉઠી. આખી સોસાયટી નવોઢાની જેમ સજ્જ થઈ ઊભી હતી. શેરીઓ સાફસૂફ કરીને શણગારવામાં આવી હતી. આંગણાં લીંપીને ચોખ્ખાં કરાયા હતા. ઘરની બહાર ફૂલડા પાથરવામાં આવ્યા હતા. મહેમાનો માટે આંગણામાં સુંદર ઢોલિયા ગોઠવાયા હતા.
આ ક્ષણે એક વાત ફરી સમજાઈ... હરખને કોઈ જાતિ નથી, કોઈ વર્ગ નથી. ગરીબ હોય કે અમીર, પોતાના ઘરમાં પ્રવેશવાનો આનંદ સૌ માટે સરખો.
ઘર તો ઈંટ-સિમેન્ટથી બને છે, પણ એને ઘર બનાવે છે તેમાં વસતા લોકોનો પ્રેમ, હરખ અને સપનાં.
અને આજે આ પ્રેમ દરેક આંગણામાં દેખાતો હતો...
દરેક શેરીમાં દેખાતો હતો...
દરેક ફૂલડામાં દેખાતો હતો...
બસ રાજીપો, રાજીપો...! ❤️🏡🌸
5 days ago | [YT] | 379
View 9 replies
Mittal Patel
કેટલીક વાર માણસની જિંદગી એટલી આકરી બની જાય કે એને જીવવા કરતાં મોત વધુ વહાલું લાગે. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાનું રામપુરા ગામ ને ત્યાં રહેતા લીલાબા પણ મોત માંગે. એમનું શરીર હવે ઢીલું પડી ગયું. માંડ-માંડ ડગલાં ભરાય એવી સ્થિતિ. આવામાં પડતા પર પાટું એટલે દીકરી કૈલાશબેનને આંખે દેખાય નહીં એ. અંધારી ઓરડી કહીએ કે ઝૂંપડું એમાં આ બે જીવ એકબીજાના સહારે દિવસો કાપે.
ચોમાસું આવે એટલે આ નાનકડા પરિવાર પર આભ તૂટી પડે. બાજુમાંથી પસાર થતી કેનાલના પાણી ઘરમાં ઘૂસી જાય. ઘૂંટણ સમાણા પાણીમાં મા-દીકરી એક જ ખાટલા પર આખો દિવસ ઉપર ચડીને બેસી રહે. ન લાઈટની સુવિધા, ન શૌચાલયની વ્યવસ્થા. અંધારા ઉલેચતાં-ઉલેચતાં લીલાબા થાકી ગયા. એટલે જ એમના મુખેથી “ઉપરવાળો હવે લઈ લે તો હારું... આવી જિંદગી જીવીને શું કરવું?” આવો વેદનાનો આર્તનાદ નીકળી જતો.
કોઈ વૃદ્ધ મા મોત માંગે, ત્યારે સમજવું કે એની લાચારી ચરમસીમાએ પહોંચી. આ વાત અમારા માવજત કાર્યક્રમ અંતર્ગત દર મહિને 750 નિરાધાર બા દાદાઓને રાશન આપતા સમજાઈ.
અમારા કાર્યકર સુનિલભાઈ દર મહિને અમારા ‘માવજત’ કાર્યક્રમ હેઠળ બાને રાશન આપવા જાય. પણ ચોમાસામાં એમની હાલત જોઈને એને જીવ બળે. એ કહે, “રાશનથી એમને રાહત છે પણ એમના માથે સલામત છત થાય એ જરૃરી.”
VSSM સાથે સંકલાયેલા અમારા પ્રિયજન વૈશાલીબેન વરમોરાને આ અંગે ખ્યાલ આવ્યો ને એમણે પોતાની લગ્નની વર્ષગાંઠ નિમિત્તે બાનું ઘર કરી આપવાનું કર્યું. એમની મદદથી લીલાબાના અંધાકારમય ઘરમાં ને આમ તો જીવનમાં પણ ઉજાસ પથરાયો.
કેનાલના પાણી ન નડે એ રીતે જમીન ઊંચી કરીને એક સરસ મજૂબત રૃમ, રસોડુ ને ટોયલેટ, બાથરૃમની વ્યવસ્થા સાથેનું નાનકડું પાકું ઘર તૈયાર થયું. લીલાબા ને કૈલાશબેનનો નવા ઘરમાં ગૃહપ્રવેશ કરાવ્યો, ત્યારે બાના ચહેરા પર નિરાંત હતી... બા બહુ લાંબુ બોલી ન શક્યા, પણ એમની ભીની આંખો ને જોડાયેલા હાથ ઘણું બધું કહી ગયા. જેમની આંખો ક્યારેક મોત માંગતી હતી, એમાં હવે હરખ હતો.
વૈશાલીબેન ને ભાવેશભાઈ, તમારો હૃદયપૂર્વક આભાર. ઈશ્વરે આપણને જે સુખ આપ્યું એ સુખને સમાજના છેવાડાના માણસ સાથે વહેંચીએ તો એ સુખ અનેક ગણુ વધે. તમારી આ પહેલમાંથી બીજા અનેક લોકો પ્રેરણા લેશે.
આપ સૌને આ પ્રકારના સેવાકાર્યમાં નિમિત્ત બનવા આહવાન... ટીપે ટીપે સરોવર ભરાય એમ સૌ સાથે આવીશું તો આવા અનેક તકવંચિતોને મદદ કરી શકીશું.
1 week ago | [YT] | 384
View 16 replies
Mittal Patel
ભારત, બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ, શ્રીલંકા, મ્યાનમાર, થાઈલેન્ડ આ સાતેય દેશોનું સંગઠન બિમ્સ્ટેક (BIMSTEC)માં "Leadership for Peace Building" વિષય પર આંતરરાષ્ટ્રીય પરિષદમાં વાત કરવા જવાનું થયું.
વિદેશ મંત્રાલય તેમજ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીના સાનિધ્યામાં આયોજીત આ કાર્યક્રમમાં આ સાતેય દેશોના પ્રતિનિધિઓ હાજર રહ્યા ને “કનેક્ટિવિટી, સંસ્કૃતિ અને સહકારમાં BIMSTECની ભૂમિકા મજબૂત બનાવવા સંદર્ભે “શાંતિ અને પ્રાદેશિક સહકાર” વિષય મહત્વપૂર્ણ સત્ર આયોજીત કરવામાં આવ્યું.
સત્રમાં મારા વિચારો રજૂ કરવાનો મને મોકો મળ્યો. વકતવ્ય તો મોટુ હતું પણ એમાંથી કેટલીક વાતોની ઝાંખી અહીંયા મુકુ છું.
"અમારા ત્યાં કહેવત છે પહેલો સગો પાડોશી – અમારા ત્યાં આ પ્રચલિત કહેવત છે. આમ તો આપણા સાતેય દેશો આધ્યાત્મિક રીતે ભગવાન બુદ્ધના શાંતિ અને કરુણાના સંદેશથી જોડાયેલા છીએ. ત્યારે આપણું નેતૃત્વ પણ આ સાંસ્કૃતિક વારસા પર આધારિત હોવું જોઈએ.
એક રીતે કહીએ તો, બંગાળની ખાડી માત્ર પાણીનો વિસ્તાર નથી, પણ આપણા 7 દેશોની સંસ્કૃતિ, વેપાર અને કરોડો લોકોના ભવિષ્યને જોડતી જાણે જીવનરેખા. આજનો યુગ ટેકનોલોજીનો છે. ભૌતિક અંતર ઘટ્યું છે. પણ માનવીય સંબંધોમાં વિભાજન વધી રહ્યું છે.
વિશ્વ આખાએ ભયંકર યુદ્ધો જોયા ને એ યુદ્ધોમાં માણસો સાથે સાથે અનેક બાબતોમાં આપણે ઘણું ખોયું. છતાં આપણે એ બધામાંથી જાણે કશું શીખ્યા ન હોઈ એમ સમગ્ર વિશ્વમાં અત્યારે પણ ક્યાંય શાંતિનો માર્ગે દેખાતો નથી. ધાર્મિક તણાવ, જાતીય સંઘર્ષ, આર્થિક અસમાનતા અને પર્યાવરણીય પડકારો આજે વધી રહ્યા છે.
અત્યારના સમયમાં સૌથી મોટો પ્રશ્ન શાંતિનો છે. ને એ માટે એવા લીડરોએ આગેવાની લેવાની છે. જેઓ ન્યાય, સમાનતા, સંવાદ, વિશ્વાસ ને સહઅસ્તિત્વને સ્વીકારતા હોય માનતા હોય.
લીડર એટલે કોણ એ પ્રશ્ન આપણને થાય ને આપણી નજર નેતાઓ પર પડે પણ મારા મતે લીડર એટલે સામાજિક કાર્યકર, શિક્ષક, પ્રશાસક, ઉદ્યોગપતિ, યુવાનો, અને દરેક જવાબદાર નાગરિક સૌ કોઈ.
જો સમાજમાં અન્યાય હોય તો બહારથી શાંતિ દેખાય, પણ અંદર અસંતોષ ઉકળતો રહે.
દા.ત. આજે ધર્મને લઈને તો ક્યાંક જાતિને લઈને આપણે એટલા વાડામાં વહેંચાયા છીએ કે એક સમાન ભાવ સાથે આપણે આપણી નજીક કોઈને સ્વીકારતા નથી.
એક સોસાયટીમાં ઘર લેવું હોય. તમારી પાસે પૈસા હોય ને તમે 1 કરોડનું ઘર ખરીદી શકો એવી ક્ષમતા હોય પણ તમારી જાતિ એ એક કરોડનું ઘર જે તમે પસંદ કર્યું હોય જ્યાં ચોક્કસ જાતિના લોકો રહેતા હોય એની સાથે મેચ ન થતી હોય તો તમને એ સોસાયટીમાં ઘર મળશે નહીં. એ જાતિના વ્યક્તિ તમારી સોસાયટીમાં શું ખરાબ કરી લેવાના? ક્યાંક વિશ્વાસ નથી. ને સહઅસ્તિત્વ તો છે જ નહીં.
એટલે peace building નો અર્થ, "એવી પરિસ્થિતિઓનું નિર્માણ જ્યાં હિંસા વિના સંઘર્ષોનો ઉકેલ આવી શકે."
આપણે જેના નેજા હેઠળ આજે ભેગ થયા છીએ એ ડો. બાબ સાહેબ હંમેશા કહેતા, સામાજિક ન્યાય વિના સ્થાયી શાંતિ શક્ય નથી. શાંતિ અને ન્યાય એકબીજાના પૂરક છે. આવામાં સાચા લીડરને જ્યાં સમસ્યા દેખાય એ સમસ્યાની એ પોતે ટીકા નથી કરતો પણ ઉકેલ આપે. બે જૂથ વચ્ચે સંઘર્ષ હોય તો એ સંઘર્ષને દૂર કરે. એ લોકો વચ્ચે વિશ્વાસ ઊભો કરે.
Leadership ના ત્રણ સ્તંભ છે. (1) લીડર લોકોને વિભાજનથી ઉપર ઉઠીને ભવિષ્ય દેખાડે છે. 2. લીડર વિશ્વાસપાત્ર હોવો જોઈએ. (3) તે સમાનતાની ભાવના વાળો હોવો જોઈએ.
આજે જે સાત દેશોના પ્રતિનિધિ અહીંયા હાજર છે. આ સાતે દેશોમાંથી ઘણામાં આજે પણ ઘણા લોકો ગરીબી રેખા નીચે જીવન વ્યતિત કરી રહ્યા છે. આવામાં આપણે એ તકવંચિતોના કલ્યાણનો વિચાર નહીં કરીએ તો આપણને પોતાને સતત ડર લાગશે. મારી પ્રોપર્ટી મારી વસ્તુ ચોરાઈ જઈ કોઈ લૂંટી લેશે. આવા ભયના ઓથાર નીચે જીવવું કેટલું યોગ્ય?
આપણે સીક્યુરીટી બેસાડી દઈએ પણ કેટલા સીક્યુરીટી ગાર્ડ બેસાડીશું શું આ સાચુ સમાધાન છે.
મારા મતે નહીં. સરકારની સાથે સાથે નાગરિકોમાંથી આ દિશામાં કામ કરવા માટેની પહેલ કરવી જરૃરી.
"લોકો એટલા માટે લડતા નથી કારણ કે તેઓ અલગ છે. તેઓ એટલા માટે લડે છે કારણ કે તેઓ એકબીજાનું સાંભળવાનું બંધ કરી દે છે."
BIMSTEC માત્ર આર્થિક સહયોગ માટેનું મંચ નથી. તે લોકો અને રાષ્ટ્રોને જોડતું પ્લેટફોર્મ છે.
આ દેશો ભાષા, ધર્મ અને સંસ્કૃતિમાં અલગ છે. પરંતુ વિકાસ, સુરક્ષા અને શાંતિના પડકારો સમાન છે.
ડૉ. આંબેડકર માત્ર ભારતીય બંધારણના ઘડવૈયા નહોતા, તેઓ આંતરરાષ્ટ્રીય કાયદા (International Law) ના પણ પ્રખર જ્ઞાતા હતા. તેઓ માનતા હતા કે નાના અને મોટા દેશો વચ્ચેના સંબંધો શક્તિ (Might) પર નહીં, પણ ન્યાય (Right/Law) અને સમાનતા પર આધારિત હોવા જોઈએ.
બાબાસાહેબે જીવનના અંતિમ વર્ષોમાં બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. BIMSTEC ના મોટાભાગના દેશો (થાઈલેન્ડ, મ્યાનમાર, શ્રીલંકા, ભૂટાન) માં બૌદ્ધ વિચારધારા વણાયેલી છે. બાબાસાહેબનું વિઝન હતું કે 'પંચશીલ' અને 'કરુણા' ના સિદ્ધાંતો વ્યક્તિગત જીવનની સાથે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પણ શાંતિ લાવી શકે છે.
આપણે ત્યાં એક જૂની કહેવત છે કે આપણે આપણા મિત્રો બદલી શકીએ છીએ, પડોશીઓ નહીં." BIMSTEC એ માત્ર સાત દેશોનું જૂથ નથી, પણ સાડા સત્તર કરોડ લોકોની આશા છે. જો આપણું નેતૃત્વ દીર્ઘદ્રષ્ટિ વાળું અને શાંતિપ્રિય હશે, તો બંગાળની ખાડી વિશ્વના સૌથી પ્રગતિશીલ અને શાંતિપૂર્ણ ક્ષેત્ર તરીકે ઉભરી આવશે. આવો, ડૉ. આંબેડકરના સમાનતા અને ન્યાયના માર્ગે ચાલીને આ ક્ષેત્રને વધુ મજબૂત બનાવીએ."
યુનિવર્સીટીના વાઈસ ચાલન્સર અમીબેનનો ઘણો આભાર..
2 weeks ago | [YT] | 406
View 20 replies
Mittal Patel
Must watch
3 weeks ago | [YT] | 12
View 1 reply
Mittal Patel
આપણે આપણામાં..
3 weeks ago | [YT] | 430
View 8 replies
Mittal Patel
“બહારગામ નોકરી કરીએ, વહાલુ વતન રોજી રોટી માટે છોડ્યું ને લોહી-પરસેવો એક કરીને જે પણ કમાણી કરી એ બધી મારા ખેતરમાં નાખી. મારું ખેતર આમ તો તળાવના કિનારે જ, છતાં પિયત માટે એક પછી એક ૧૦ બોરવેલ કરવા પડ્યા! આ બધામાંથી ૯ બોરવેલ નિષ્ફળ ગયા ને છેક દસમા બોરવેલમાં પાણી મળ્યું...”
જ્યારે ગામના કમલેશભાઈએ ભારે હૈયે આ વાત કરી, ત્યારે ભૂગર્ભ જળની ભયાનક સ્થિતિનો અંદાજ આવી ગયો.
વાત છે ગાંધીનગરથી સાવ નજીક આવેલા ને દહેગામ તાલુકામાં સમાવિષ્ટ આંતોલી ગામની. રાજધાનીની આટલા નજીક હોવા છતાં આ વિસ્તારની સ્થિતિ ખૂબ માઠી. એક જમાનામાં કુવા ઊંડા કરવાનું કામ કરતા ગામના અસંખ્ય કારીગરો આજે પાણીના તળ ઊંડા જવાના કારણે સાવ નવરા થઈ ગયા.
ગામમાં જેમની પાસે પોતાની ખેતીની જમીન છે, તેઓ પણ પાણીના અભાવે ખેતી મૂકીને આસપાસના શહેરોમાં કડિયાકામ કે અન્ય મજૂરીએ જવા મજબૂર બન્યા.
ગામ લોકોની આ વેદના સાંભળીને મને મારું પુસ્તક ‘જળ ખૂટ્યા’ યાદ આવી ગયું. અમે આંતોલી ગામમાં તળાવના ખાતમુહૂર્ત માટે ગયા, ત્યારે તળાવની પાળ પર બેસીને ગામલોકોએ દિલ ખોલીને વાતો કરી. બોરવેલ પાછળ થતા અંધાધૂંધ ખર્ચથી લઈને ખેતીમાં વળતર ન મળવા સુધીની વ્યથા તેમની આંખોમાં દેખાતી હતી.
ગામની આ વિપદા દૂર કરવા માટે અમારી સાથે સાથે સરકારે પણ કમર કસી. VSSM સાથે સંકળાયેલા અમારા પ્રિયસ્વજન સ્ટાર કેમિકલ્સના શ્રી સંજયભાઈ શાહના સહયોગથી આંતોલી ગામનું તળાવ ઊંડું કરવાનું કાર્ય અમે આરંભ્યું.
સરકારે પણ આ વિસ્તારની ચિંતા કરીને નર્મદાના નીરથી આ તળાવ ભરવાનું નક્કી કર્યું. ચોમાસા ઉપરાંત નર્મદાના એટલે કે મા રેવાના પાણીથી તળાવ ભરાશે. જેના લીધે આસપાસના સીમ-ખેતરોના તળ રીચાર્જ થશે ને કૂવા-બોરવેલ સજીવન થશે.
આ પરોપકારી કાર્યમાં આર્થિકની સાથે સાથે નૈતિક મદદ બદલ શ્રી સંજયભાઈ શાહનો હૃદયપૂર્વક આભાર. હજારો જીવોને તૃપ્તિ આપનારા આ જળકાર્યમાં ઈશ્વર જેને નિમિત્ત બનાવે તે ખરેખર ભાગ્યશાળી. સાથે જ આંતોલીના ગ્રામજનોનો પણ આભાર, જેમણે આ ભગીરથ કાર્યમાં માટી ઉપાડવાનું સહર્ષ આવકાર્યું.
VSSM અત્યાર સુધીમાં ૪૫૬ તળાવો ઊંડા કરવામાં નિમિત્ત બન્યું. આગામી સમયમાં અમારો સંકલ્પ ૧૦૦૦ જલમંદિર (તળાવો) ઊંડા કરવાનો. જીવમાત્રને સાતા આપનારા આ કાર્યથી કુદરત પણ રાજી થાય એટલે એ પણ આ મનોરથ પૂર્ણ કરાવવામાં અમારી સાથે.
જળ અને પર્યાવરણના કાર્યમાં આપ સૌને પણ આપની ક્ષમતા મુજબ જોડાવવા નમ્ર વિનંતી.
3 weeks ago | [YT] | 345
View 8 replies
Mittal Patel
હીરામાને બે જુવાનજોધ દીકરા હતા, એમને પરણાવ્યા ને ઘરમાં વહુઓ આવી. હીરા માને એમ કે હવે જિંદગીની સમી સાંજે થોડી નિરાંત થઈ, ત્યાં તો કાળનો કારમો પંજો ત્રાટક્યો ને બંને જુવાન દીકરાઓ માની નજર સામે દુનિયા છોડીને ચાલ્યા ગયા.
હીરા મા માટે હવે જિંદગી ભારરૂપ બની ગઈ. શરીર કામ કરતું બંધ થયું, ખાવા-પીવાની મોકાણ ઊભી થઈ. પણ પેટ તો સમય થાય એટલે ભાડુ માંગે. નાછૂટકે હીરામા લાકડીના ટેકે આખાય ગામમાં ફરીને કોકની પાસે ઘઉં, ચોખા કે દાળ માંગીને પેટનો ખાડો પૂરવા માંડ્યા. જ્યારે અમારી સંસ્થાના કાર્યકર રીઝવાભાઈ બાને મહેસાણાના રણાસણગામમાંki મળ્યા ત્યારે હીરા મા ગામમાંથી માંગીને ઘરે પાછા ફરી રહ્યા હતા. એમના ખભે લટકતી ભિક્ષાની થેલી ખોલીને બાએ ભીક્ષામાં માંગી આણેલા ઘઉં, ચોખા ને દાળ બતાવતા કહેલું, “ઉંમરના આ પડાવે માંગવું કોને ગમે? એ પણ આખા ગામના ઉંબરા ખૂંદીને! પણ શું કરુ?”
અમે એમને રાશન આપવાનું શરૂ કર્યું, એમને યાચનાવૃત્તિમાંથી મુક્તિ મળી, પણ હીરા માના મન પર એક જુદો જ પવિત્ર ભાર વર્તાવા માંડ્યો. એમણે કહ્યું, "તમે આટલું પુણ્યનું કામ કરો છો, ભગવાન તમારું સાંભળે. તમે પ્રાર્થના કરો ને કે ભગવાન અહીંથી મને ઝટ લઈ જાય! આ તમે આપો છો એ ખાવું છું, પણ મારા માથે એનું ઋણ તો ખરું ને? આ ઋણ આ જન્મે તો નહીં ચુકવી શકું, પણ આવતા જન્મે એને ચુકવવા મારે અહીંયા પાછું આવવું પડશે ને?"
આપણો દેશ એ સંસ્કાર ને ખુમારીનો દેશ. અહીં ગરીબ માણસ કદાચ નસીબનો લાચાર હોઈ શકે, પણ એના લોહીના સંસ્કાર ક્યારેય ગરીબ નથી હોતા. એ મરી જાય પણ કોઈનું ઓશિયાળું ખાવાનું પચાવી શકતો નથી. મફતનું ધાન એના કાળજાને ખૂંચે છે. હીરામાના મુખેથી 'ઋણ' ચુકવવાની આ વાત સાંભળીને ખરુ 'ખમીર' એવું અનાયાસે બોલાઈ ગયું.
મેં એમના ધ્રૂજતા, કરચલીવાળા હાથને પકડીને વ્હાલથી કહ્યું, "બા, કોઈનુંય ઋણ નથી. જો આપવાનો કે નિમિત્ત બનવાનો અહંકાર કે ભાર રાખીએ, તો કરેલી બધીયે સેવા એળે જાય. અમે જે કરીએ એ બધું 'કૃષ્ણાર્પણ'. બધું એ ઠાકરના ચરણોમાં ધરી દઈએ, પછી ઋણના બંધન ક્યાં રહે? લેનારોય એ ને દેનારોય એ, આપણે તો માત્ર વચલા ગાળાના વહેવારિયા!"
પણ બા બહુ થાક્યા હતા. સંસારના કારમા ઘા સહન કરીને, જુવાનજોધ દીકરાઓની નનામીઓ જોઈને એ જીવ હવે ભીતરથી સાવ ભાંગી ચૂક્યો હતો. એમને હવે અનાજ કરતાંય આ સંસારના બંધનોમાંથી મુક્તિ જોઈતી હતી. એમના મનની પીડા જોઈને કવિ કાગબાપુની પંક્તિઓ યાદ આવી,
"કાગ" એવા અવસર આપજે, જ્યારે જાય આ પાંજરું છૂટી;
બીજી આશા બધીય આ જગતની, જાય જડમૂળથી તૂટી.
જ્યારે જિંદગીની બધી આશા તૂટી જાય ત્યારે જીવ પરમાત્માના શરણની ઝંખના કરે. હીરા મા પણ હવે એ જ આખરી વિસામાની રાહ જોઈને બેઠા છે. આવા માવતરોની પાસે બે ઘડી બેસી એમને હાશકારો આપવાનું કરીએ તો ઘણું...
4 weeks ago | [YT] | 503
View 16 replies
Mittal Patel
ભગવાને એક દીકરી આપેલી પણ છેલ્લા બે વર્ષથી એણે ફોન કરવાનું કે મારી ખબર પૂછવાનું બંધ કરી દીધું. મને હતું કે, ઘડપણમાં દીકરી મારો સહારો બનશે... પણ કિસ્મતને કંઈક જુદું જ મંજૂર હતું.” આટલું કહેતા જ મહેસાણાના વિજાપુરના રણાસણગામમાં રહેતા કાળી માની આંખોના ખૂણા ભીના થઈ ગયા.
આપણને થાય કે કોઈ દીકરી આવું કરી શકે? માન્યામાં ન આવે ને? આ દુનિયામાં એવી કેટલીય દીકરીઓ છે જેમણે મા-બાપની સેવા કરી તેમનું ઘડપણ ઊજાળ્યું પણ કાળીમા આ બાબતમાં કમનસીબી રહ્યા.
કાળી મા આજે એકલા છે. ધગધગતી લૂ વાતી હોય તોય તેઓ ઘરની બહાર લીમડા નીચે ખાટલો ઢાળીને બેસી રહે. અમે પૂછ્યું, “મા, આટલી ગરમીમાં ઘરમાં કેમ નથી બેસતા?”
ત્યારે લાચારી સાથે એમણે જવાબ આપ્યો, “ઘરમાં બે-બે પંખા છે, પણ બેય બગડી ગયા છે. ઉંદરો ઘરમાં બહુ છે એમણે વાયરિંગ પણ કાપી નાખ્યા. ઘરમાં અકળામણ થાય એટલે બહાર લૂમાં બેસું છું.”
કેવી વિપદા! ખિસ્સામાં નવું વાયરિંગ કરાવવાના કે પંખો સરખો કરવાના પૈસા નથી.
VSSM સાથે સંકળાયેલા સ્વજનોની મદદથી કાળી માને ત્રણ વર્ષ પહેલા રાશન આપવાનું શરૂ કર્યું. દર મહિને નિયમિત રાશન મળતા હવે તેમના જીવને નિરાંત છે.
કાળી મા ભૂતકાળને યાદ કરતા કહે છે, “પહેલા બહુ ઓશિયાળું જીવવું પડતું. કોઈની પાસે માંગવા જવું ગમે નહીં. સરકારના વૃદ્ધ પેન્શનના ૧૨૫૦ રૂપિયા ને ૫ કિલો અનાજ મળે એમાં જિંદગી જીવવા કોશીશ કરતી, બહુ કાઠું પડતું. પણ હવે તમે લોકો દર મહિને રાશન મોકલો છો એટલે રૂપાળું રાંધીને જાતે ખાઈ લઉં છું.”
અમારા કાર્યકર રીઝવાન જ્યારે કાળી માને રાશન આપવા જાય, ત્યારે માના ચહેરા પર દીકરાને મળ્યા જેવો આનંદ હોય. હમણાં રીઝવાનના ઘરે દીકરાનો જન્મ થયો, કાળી માએ હરખાઈને પોતાના ગજવામાંથી ૫૦ રૂપિયા શુકનના આપ્યા! રીઝવાને ના પાડી તો એમણે વહાલથી કહ્યું, “મારો દીકરાને ઘેર દીકરો થયો હોત તો હું ન આપત?”
લોહીના સંબંધોએ મોં ફેરવ્યું ત્યાં આ આત્મીય સંબંધ બંધાયો.
કાળી મા જેવા અનેક નિરાધાર માવતરો આપણી આસપાસ છે, જેમને ઉંમરના આ પડાવે આપણા સાથ અને ટેકાની જરૂર છે.
માત્ર ₹1650 માં એક અસહાય વડીલનું આખા મહિનાનું જીવન સચવાઈ જાય છે. અત્યાર સુધી અમે આવા ૭૫૦ માવતરો સુધી દર મહિને રાશન પહોંચાડતા હતા. આ વર્ષે કાર્યકરોના સર્વે બાદ વધુ 50 જરૂરિયાતમંદ વડીલો આમાં ઉમેરાયા છે, જેથી હવે આ આંકડો 800 પર પહોંચ્યો છે.
1650 એ કાંઈ બહુ મોટી રકમ નથી તમે સૌ આમાં સહભાગી થશો તો આવા અનેક નિરાધાર માવતરોની આંતરડી ઠારવાનું કરી શકીશું.
મદદ માટે GPay - 9909049893 કરવા વિનંતી.
“ચાલો, સાથે મળીને કોઈકના ઘડપણને હૂંફ આપીએ.”
1 month ago | [YT] | 463
View 15 replies
Mittal Patel
કુરુક્ષેત્રના રણમેદાનમાં જ્યારે ભીષ્મ પિતામહ બાણશૈયા પર સૂતા હતા, ત્યારે યુધિષ્ઠિરે પૂછ્યું, “પિતામહ, આ જગતમાં સૌથી શ્રેષ્ઠ કર્મ કયું?” પિતામહે ગહન જવાબ આપતા કહ્યું, “જે કર્મ હજારો જીવોને તૃપ્તિ આપે, આપણી આ ધરતી માને પોષણ આપે, તેવું ‘જળનું કાર્ય’ કરવું એ સૌથી મોટું પુણ્યકર્મ”
પહેલાના સમયમાં સુખી-સંપન્ન લોકો તળાવો ગળાવતા, વાવ બંધાવતા. એ બધા આને સાચો ધર્મ માનતા. આમ તો એમની તમામ જીવસૃષ્ટિ પ્રત્યે આ સંવેદના. આજે આપણે દાન કરીએ છીએ, પણ ઘણીવાર તેમાં સમજણનો અભાવ દેખાય. આપણે માણસોના કાર્યો માટે દોડીને મદદ કરીએ. કરવી પણ જોઈએ, એમાં મારી ના નથી. પણ માત્ર મનુષ્ય કલ્યાણમાં મોખરે રહેનાર આપણે આ ધરતી પર અન્ય જીવો છે એને કેમ ભૂલી જઈએ છીએ.
કદાચ કોઈ ભૂખ્યાની આંતરડી ઠારીએ તો એ આભાર કહેશે. પણ કીડી, કાચબો કે સસલું એના માટે કરેલા શુભકાર્યને લઈને આપણને બોલીને આભાર નથી કહેતા કદાચ એટલે એમના કલ્યાણના કાર્યોમાં આપણને ઓછો રસ પડે છે?
તુલસીદાસજીએ રામચરિતમાનસમાં સુંદર વાત કહી છે, “પર હિત સરિસ ધર્મ નહિ ભાઈ |” એટલે કે બીજાના હિત જેવો કોઈ મોટો ધર્મ નથી. પણ આ બધુ સમજી વ્યવહારમાં ઉતારવું અગત્યનું.
VSSM આ શાશ્વત સત્યને પકડીને વર્ષોથી જળસંચય અને વૃક્ષારોપણનું કાર્ય કરે, અત્યાર સુધીમાં 456 જેટલા તળાવો ઊંડા કર્યા છે. જેમાં અબજો લીટર પાણીનો સંગ્રહ થયો છે. જે લાખો જીવો અને ખેડૂતોને સાતા આપે છે.
ગાંધીનગરના દહેગામ તાલુકાના ઘણા ગામોમાં પણ જળની સ્થિતિ કપરી. ભૂગર્ભજળ ખૂબ નીચે ગયા છે, આવા ગામોના 20 તળાવો આ વર્ષે ઊંડા કરવાનું લક્ષ્ય છે. જેમાંના અંગૂથલા ગામમાં જલમંદિરનું કાર્ય અમે આરંભ્યું.
સરકારશ્રીની સુજલામ સુફલામ યોજનાનો નાનકડો ટેકો. અમારા આદરણીય ઉલ્લાસભાઈ પેમાસ્ટરની મોટી આર્થિક મદદ ને માટી ઉપાડવા ગામનો સહયોગ આમ સહિયારા પ્રયાસથી આ કાર્ય થઈ રહ્યું છે.
આ તળાવમાં હવે માત્ર વરસાદનું જ નહીં, પણ ‘મા રેવા’ (નર્મદા) ના નીર પણ આવશે. જેનાથી આખું વર્ષ તળાવ ભરેલું રહેશે ને ગામની કાયાપલટ થશે.
જો દરેક ગામ પોતે સંકલ્પ કરે ને ગામના જ લોકો ભેગા મળીને અનુદાન એકત્રિત કરી પોતાના ગામના તળાવોને કાયમ સાબદા રાખવાનું કરે તો અમારા જેવી કોઈ સંસ્થા કે સરકારની રાહ જોવી નહીં પડે. ઉલ્લાસભાઈ જેવા અનેક સ્વજનો જ્યાં જળ છે, ત્યાં જ જીવન છે ને ત્યાં જ સાચો ધર્મ છે એવું માને છે એટલે આવા કાર્યોમાં મદદ કરે છે. એમના અમે આભારી છીએ.
ઈશ્વર સૌને આ ભગીરથ કાર્યમાં જોડાવવાની સન્મતિ આપે એ જ પ્રાર્થના.
1 month ago | [YT] | 390
View 5 replies
Load more